હરિ આવ્યા છે નારીના વેશે રે
haarii aavyaa naarii veshe
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે;
શિવ-બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ જોઈ દુખડાં ખુઓ રે.
હરિ૦
માત-પિતા એનાં મનમાં વિમાસે : કહો, એ ક્યાં થકી આવી રે?
અચરત સરખું સહુને ભાસે : એ જલઝારી ક્યાંથી લાવી રે?
હરિ૦
બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે;
રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે : 'તમે લ્યોને, મહેતાજી! પાણી રે.'
હરિ૦
પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે;
અંતર્ધાન થયા અલબેલો, વાત સહુ કોએ જાણી રે.
હરિ૦
જયજયકાર થયો જગ માંહે, હરખ વાધ્યો હૈયે રે;
નરસૈયાચો સ્વામી ભલે મળિયો, એનાં ચરણકમળમાં રહીએ રે.
હરિ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
