દયારામ
Dayaram
હાં રે વૃંદાવનમાં થનકકાર થૈ થૈ થૈ!
રાધાકૃષ્ણ રમે રાસ, ગોપી લહી લહી લહી રે!
બીજું નહીં નહીં નહીં રે! વૃંદાવનમાં૦
હાં રે નૂપુર ચરણ કનકવરણ ઝાંઝર જોડો,
હાં રે ઘૂઘરીઆળો ઓપે અક્કો તોડો,
હાં રે મોરમુગટ મણિ વાંકડો અંબોડો,
હાં રે કુંડલ કાન, ભ્રૂકુટી બાન, તિલક તાન,
નેન બાણ કંપમાન, ફફા ફેઈ ફેઈ ફેઈ રે! વૃંદાવનમાં૦
હાં રે વાગે તાલ તે કરતાલ મૃદંગ તાળી,
હાં રે કોઈ તંબૂર ને કોઈ મૃદંગવાળી,
હાં રે સોળસહસ્ર ગોપિકા છે એક બાળી,
હાં રે સૂર સળકે, સૂર સળકે, ઘૂઘરી ઘમકે નાચે થનક,
થનક બલ બલ બલ ગોપી, લઈ લઈ લઈ લઈ રે! વૃંદાવનમાં૦
કે કર કટિએ દીધો છે વંક વાળી,
મદનગાન મુખ્ય ગાય છે વનમાળી,
કે બોલે વેણ, બોલે વેણ, અમૃત ચેન, સુધાસેન, મોહનનેન,
પ્રગટ ચેન, થાકે નહિ હૃદય દઈ દઈ દઈ હે! વૃંદાવનમાં૦
હાં રે મનમાં માનની વિમાસણ થાયે.
હાં રે હુંથી છાની રાખી છે મુગટ માંહે,
હાં રે તે બહુ વ્હાલી હઠ ઝાલી બેઠી બાળી ઊઠી, ચાલી,
ઘૂઘરવાળી, તટ ભાળી, દયાપ્રભુ જે જે જે રે! વૃંદાવનમાં૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
