
કીડી બિચારી કીડી રે, કીડીનાં લગનિયા લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં
કીડીને આપ્યા સન્માન
હાલો કીડીબાઈની જાનમાં૦
મોરલે બાંધ્યો રૂડો માંડવો
ખજૂરો પીરસે ખારેક,
ઘૂડે રે ગાયા રૂડાં ગીતડાં
પોપટ પીરસે પકવાન... હાલો૦
મકોડાને મોકલ્યો માળવે રે,
લેવા માળવિયો ગોળ,
પંડે રૂડો ને કેડ પાતળી
ગોળ ઊપડ્યો ન જાય... હાલો૦
મીનીબાઈને મોકલ્યાં ગામમાં રે,
એવા નોતરવા ગામ,
સામા મળ્યા બે કૂતરા,
બિલાડીના કરડ્યા બે કાન... હાલો૦
ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરા,
કાકીડે બાંધી છે કટાર,
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા,
ગધેડો ફૂંકે શરણાઈ... હાલો૦
ઉંદરમામા હાલ્યા રીસામણે,
બેઠા જઈ દરિયાને બેટ,
દેડકો તો બેઠો ડગમગે,
રે મને કપડાં પહેરાવ... હાલો૦
વાંસડે ચડ્યો એક વાંદરો,
જુએ જાનુની વાટ,
આજ તો જાનને લૂંટવી
લેવા સર્વેના પ્રાણ... હાલો૦
કઈ કીડી ને કોની જાન છે રે,
સંતો કરજો વિચાર,
ભોજા ભગતની વિનતિ,
સમજો ચતુર સુજાણ... હાલો૦



સ્રોત
- પુસ્તક : ભોજા ભગતની વાણી (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : મનસુખલાલ સાવલિયા
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2001
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ