
ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે,
તેણે રમે ભવાની રાસ, ગાઉં ગુણ ગરબી રે. ૧
દિનમણિ સૂર્ય દીપક કર્યો, ગુણ ગરબી રે;
માંહી ચંદ્ર તણો પ્રકાશ, ગાઉં ગુણ ગરબી રે. ૨
પૃથ્વી પાત્ર તાંહાં કોડિયું, ગુણ ગરબી રે;
બાતી પરવત મેર, ગાઉં ગુણ ગરબી રે. ૩
સાત સાગર તેલ ભર્યું, ગુણ ગરબી રે;
માંહીં મુક્તાફળ ચોફેર, ગાઉં ગુણ ગરબી રે. ૪
સ્થાવર-જંગમ ભસ્મ ભર્યું, ગુણ ગરબી રે;
સુંદર સકલ વિભાગ, ગાઉં ગુણ ગરબી રે. ૫
શિર પર ગાદી કશ્યપની, ગુણ ગરબી રે;
ઊઢેણી શેષ નાગ, ગાઉં ગુણ ગરબી રે. ૬
ગાગર ઉપર ઢાંક્યું ઢાંક્યું ગુણ ગરબી રે;
અંબર એક અપાર, ગાઉં ગુણ ગરબી રે. ૭
તેત્રીસ કોટિ વિવર કર્યાં, ગુણ ગરબી રે;
તેજ તણા નહિ પાર, ગાઉં ગુણ ગરબી રે ૮
અહર્નિશ અમૃત ઝરે, ગુણ ગરબી રે;
જગત કરે છે પાન, ગાઉં ગુણ ગરબી રે. ૯
વિવિધ પેરે વરસી રહી, ગુણ ગરબી રે;
ધરમ, અરથ ને કામ, ગાઉં ગુણ ગરબી રે. ૧૦
ચાર વેદ પરગટ થયા, ગુણ ગરબી રે;
વિશ્વ તણો વિશ્રામ, ગાઉં ગુણ ગરબી રે. ૧૧
ત્રણ મૂરતિ ગાગર માંહીં, ગુણ ગરબી રે;
હરિ, બ્રહ્મા ને ઈશ, ગાઉં ગુણ ગરબી રે. ૧૨
સદાકાળ સહજ ધરે, ગુણ ગરબી રે;
ગૌરી ગાગર શીશ, ગાઉં ગુણ ગરબી રે. ૧૩
આદ્ય શક્તિ અવ્યક્ત તણી, ગુણ ગરબી રે;
રમે રસાળો રાસ, ગાઉં ગુણ ગરબી રે. ૧૪
ચૌદે લોક મોહ પામિયા, ગુણ ગરબી રે;
એમ કહે છે ભાણદાસ, ગાઉં ગુણ ગરબી રે. ૧૫
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002