Govindo Pran Amaro Re - Pad | RekhtaGujarati

ગોવિંદો પ્રાણ અમારો રે

Govindo Pran Amaro Re

મીરાંબાઈ મીરાંબાઈ
ગોવિંદો પ્રાણ અમારો રે
મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;

મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;

કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગોવિંદો...

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;

સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ. ગોવિંદો...

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;

રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો...

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;

અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ. ગોવિંદો...

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;

રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ. ગોવિંદો...

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;

સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું કાંય. ગોવિંદો...

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ,

જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો...

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;

ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ લાગે કોય. ગોવિંદો...

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;

સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગોવિંદો...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011