gori! tare trajuDe re - Pad | RekhtaGujarati

ગોરી! તારે ત્રાજુડે રે

gori! tare trajuDe re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ગોરી! તારે ત્રાજુડે રે
નરસિંહ મહેતા

ગોરી! તારે ત્રાજુડે રે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે;

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ગો૦ ૧

રુમઝુમ રુમઝુમ નેપુર વાજે, ગોફણે ઘુઘરી ઘમકે રે;

શીશ દામણી એણી પેર સોહે, જેમ ગગન વીજળી ચમકે રે. ગો૦ ર

નિલવટ આડ કરી કેસરની, માંહે મૃગમદની ટીલી રે;

આંખલડી જાણે પાંખલડી, હીંડે લીલાએ લાડગહેલી રે. ગો૦ ૩

આ કંચવો તમે કર્યા સિવડાવ્યો? શણગટ વાળ્યો શું ધારી રે?

આ વેણી તમે કયાં રે ગૂંથાવી, જેણે મોહી છે વ્રજની નારી રે? ગો૦ ૪

ચંચળ દ્રષ્ટે ચોદિશ નિહાળે, માંહે મદનનો ચાળો રે;

નરસૈયાચો સ્વામી જોવા સરખો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ગો૦ પ

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997