ગોકુળ વ્હેલા પધારજો રે
gokul vhela padharajo re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ગોકુળ વ્હેલા પધારજો રે, મથુરા જાઓ તો મારા સમ હો લાલ. ગોકુળ...
અક્રૂર આવ્યા તેડવા, તે તો મારા દુખડાનો દેનાર રે લોલ. ગોકુળ...
બળીભદ્ર બેઠા રથમાં, હરિ હળધરનું જુગતે જોડું લાલ. ગોકુળ...
આણી આણી શેરડીએ પ્રભુ મારા, રથ લાવો પાછા લાલ. ગોકુળ...
રાણી રાધા બેઠાં આડાં થઈ, પ્રભુ મારા હૃદિયાપર રથ ખેડો લાલ. ગોકુળ...
વહાણામાં જોતી વાટડી, પિયુ મળસકે અમને તજ્યાં લાલ. ગોકુળ...
ગોકુળ મથુરા છે બે ગામડાં, વચમાં જમનાજી ભરપૂર રે લાલ. ગોકુળ...
મથુરામાં મામાને મળવા જતાં, વહાલા કેમ રાખ્યું ન હેત લાલ. ગોકુળ...
જગજીવન મારો-જિવાડો, મથુરામાં જાઓ તો પ્રાણ નાંખું કાઢી લાલ. ગોકુળ...
નરસૈંયાનો સ્વામી શામળો, વહાલે ફરી રમાડ્યાં ન રાસ લાલ. ગોકુળ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
