ગોકુળનું સ્મરણ
gokul nu smaran
પ્રેમાનંદ
Premanand
પ્રેમાનંદ
Premanand
પ્રભુજી બોલ્યા હો, નયણે જળ ભરી;
કહું માહારા અંતરગતનું દુઃખ હો વીરાજી.
કંઈ ન ફરી દેખું હો આણી આણી આંખડિયે;
રાંકડી જશોદાનું મૂખ હો વીરાજી.
મુને મથુરાંનું રાજ ગમતું નથી;
વાહાલો મુને ગોકુળિયાનો વાસ હો વીરાજી.
દેવકીનું ખટરસઅન્ન ભાવે નહી;
વહાવી મુને વ્રજનારીની છાસ હો વીરાજી.
ગજ રથ અશ્વ હો મુને અળખામણા;
ગમે મુને ગોકુળિયાની ગાય હો વીરાજી.
મુને કૃતઘ્ની લોક કેહેતા હશે;
ભાઈ મેં હાંકી કાઢ્યા નંદરાય હો વીરાજી.
વૃંદાવન ગોવર્ધન ગાવડી;
વાંસળી મોરલી જમુનાવાર હો વીરાજી.
અહર્નિશ મુને સહુ સાંભરે;
પલક ન વિસરે વ્રજની નાર હો વીરાજી.
ભ્રાતા માતા પિતાની ચોરી કીજીયે;
પણ મિત્રને કહીયે મનની વાત હો વીરાજી.
ગોપીને ગુપ્ત સંદેસડો;
ઉદ્ધવ સાથે કહાવે ગોકુળનાથ હો વીરાજી.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
