giri talati ne kunD damodar - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગિરિ તળાટી ને કુંડ દામોદર

giri talati ne kunD damodar

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ગિરિ તળાટી ને કુંડ દામોદર
નરસિંહ મહેતા

(રાગ પ્રભાતી)

ગિરિ તળાટી ને કુંડ દામોદર, તાંહાં મહેતાજી નાહવા જાય;

ઢેડ વરણમાં દૃઢ હિરભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. ગિ૦

કર જોડીને કરે પ્રાર્થના, વિનય તણાં બહુ વદ્યા રે વચંન :

‘મહાન્ત પુરુષ! અમારી અરજ એટલી : અમારે આંગણ કરો કીર્તન. ગિ૦

પ્રેમ-પદારથ અમો પામીએ, વામીએ જન્મ-મરણ-જંજાળ;'

કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ. ગિ૦

‘પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાનઃ

ગોમૂત્રે તુલસી-થલ લીંપજો,' એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન, ગિ૦

મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ;

ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ. ગિ૦

ઘેર પધાર્યા હરિ-જશ ગાતા, વહાતા તાળ ને શંખ-મૃદંગ;

હસી હસી નાગર લેતાં તાળી : 'આ શા રે બ્રાહ્મણના ઢંગ!' ગિ૦

મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા : 'અધવધરાને શો ઉત્તર દઉં?’

જાગ્યા લોક, નરનારી પૂછે : ‘મહેતાજી! તમે એવા શું? ગિ૦

નાત જાણો, જાત જાણો, જાણો કાંઈ વિવેકવિચાર!'

કર જોડીને કહે નરસૈયો : 'એ વૈષ્ણવ તણો મુજને આધાર.' ગિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997