ઘેલાં અમે ભલે થયાં રે
Ghela Ame Bhale Thaya Re
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો.
આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું;
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ. ઘેલાં...
ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથે;
પૂર્વજન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે. ઘેલાં...
ઘેલાંની વાતો ઘેલાં જાણે, ને દુનિયા શું જાણે ?
જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે. ઘેલાં...
ઘેલાં મટી અમે ડાહ્યાં ન થઈએ, ને સંતનાં શરણાં લીધાં;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં. ઘેલાં...
સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2011
