ghaDpan kone re mokalyun? - Pad | RekhtaGujarati

ઘડપણ કોણે રે મોકલ્યું?

ghaDpan kone re mokalyun?

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ઘડપણ કોણે રે મોકલ્યું?
નરસિંહ મહેતા

ઘડપણ કોણે રે મોકલ્યું?- જાણ્યું જોબન રહે સૌ કાળ. (ટેક)

ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયા પરદેશ;

ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ, ઘડ૦

નહોતું જોઈતું તે શીદ આવિયું રે? નહોતી જોઈ તારી વાટ;

ઘરમાંથી હળવા થયા રે, કહે : ખૂણે ઢાળો એની ખાટ. ઘડ૦

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ;

રોજને રોજ જોઈએ રાબડી રે; એવી બળી રે ઘડપણની ટેવ! ઘડ૦

પ્રાતઃકાળે પ્રાણ માહરા રે અન્ન વિના અકળાય;

ઘરનાં કહે : મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય? ઘડ૦

દીકરા તો જૂજવા થયા રે, વહુઅરો દે છે ગાળ;

દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ? ઘડ૦

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;

બૈરાં-છોકરાં ફટ ફટ કરે રે, બાળક દે છે ગાળ. ઘડ૦

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર;

પાંસળીએથી છોડી વાંસળી રે, લેઈ લીધી તેણી વાર. ઘડ૦

એવું નફટ છે વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર;

ધરમનાં સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. ઘડ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997