garbhvas rakhyo re, kirpa tane bahu kari - Pad | RekhtaGujarati

ગર્ભવાસ રાખ્યો રે, કિરપા તને બહૂ કરી

garbhvas rakhyo re, kirpa tane bahu kari

દયારામ દયારામ
ગર્ભવાસ રાખ્યો રે, કિરપા તને બહૂ કરી
દયારામ

(પદ - કાફી)

ગર્ભવાસ રાખ્યો રે, કિરપા તને બહૂ કરી;

સદા સુખ આપ્યું રે, તેને કેમ ગયો વિસરી. ટેક...

દશ પંદર સુધી પુરણ પાળ્યો, પરણાવ્યો બહુ પેર,

તોયે એકે ઘડી ઈશ્વર ન ગાયા, મનમાં આણી કાંઈ મેર;

વિશે વહ્યો પૂરો રે, હૈયામાં ન લાવ્યો હરી. ગર્ભ...

વરણાગીમાં વાંકો હીંડે છે, પચીસ થયાં પરમાણ,

છેલાઈમાં તું છાકી ફરે છે, અહંકાર ને અભિમાન;

ત્રીશે મોહ્યો સ્ત્રીને રે, ઘણા ઘણા નેહ ભરી. ગર્ભ...

નાત જાતમાં નામજ કાઢ્યું, કુબુદ્ધી જાત કઠોર,

ધનને કાજે ધુતતો ફરે છે, જેમ હરાયું ઢોર;

ચાળીશે તું ચાલી રે, છત માંહિ રહ્યો છરી. ગર્ભ...

ઘરધંધામાં ઘેલો ફરે છે, ગાયા નહિ જગપાળ,

પરાક્રમ તારાનો પાર ન આવે, પુંઠે બહુ થઈ જંજાળ;

પચાસે જઈ પોંહોંચ્યો રે, ઠેકાણે ન બેઠો ઠરી. ગર્ભ...

દયા દાનને પુણ્ય ન લાવ્યો, જ્ઞાન ને ગરીબાઈ,

અહંકારમાં તું ગયો અફળાતો, લોભ લાલચમાં લેવાઈ;

સાઠે બુદ્ધી નાઠી રે, તારણ કંઈ ન આવ્યું તરી. ગર્ભ...

સિતેર થયાં તારે શુદ્ધ ના રહી, ભાગ્યો પોતાનો ભાર,

કુટુંબ કબીલો કોઈ નવ માને, તોયે ન મેલે અહંકાર;

સુમારગ ન ચાલ્યો રે, ડગલું તવ મેલ્યું ડરી. ગર્ભ...

એંસી થયાં ત્યારે આંખે ન સૂઝે, થરથર ધ્રુજે તારી કાય,

કાયામાં કંપવાયુ પ્રગટ્યો, તો એ ભજન નાહ થાય;

મુરખ નવ ચેત્યો રે, માયાએ તને લીધો ઘેરી. ગર્ભ...

ઘરડો થયો ત્યારે ગત જ ભાગી, ગાયા નહી પરબ્રહ્મ,

દાન પુણ્યનું નામ ન જાણ્યું, સમજ્યો નહી કાંઈ મર્મ;

મારૂં મારૂં કરતો રે, વર્ષ નેવું ગયાં વરી. ગર્ભ...

કુકર્મના બહુ બંધન છુટવા, આપ્યો મનુષ અવતાર,

સોએ વર્ષે તારી અવધ જ આવી, ભર્યો ભુંડાઈનો ભાર;

ભૂલ્યો બાધા ભવમાં રે; ફોગટનો ફેરો ફરી. ગર્ભ...

ઈશ્વરને અંતર નવ ધાર્યા, જાણ્યા ન જુગદાધાર,

અંત્ય સમે જ્યારે બાંધીને આણ્યો, પડ્યો કરશે પોકાર;

દારુણ દુઃખ દેખી રે, રોશે બહુ નયણાં ભરી. ગર્ભ...

સત્ય પુરુષે સિદ્ધિમાં જોયું, તારૂં પાનું પુસ્તક નિરધાર,

ખાતાંમાં ઘણી ખોટ જ દીઠી, નાખો નર્ક મોઝાર;

પાપી એ છે પુરો રે, પૂછો એને ખોટી ખરી. ગર્ભ...

કાયર થયો ત્યારે કાલાવાલા, કરવા માંડ્યા અપાર,

હરી હવે ભજન નવ ચુંકું, તારૂં એકવાર કાડોને બ્હાર;

દાસ દયારામના રે, હરી હાથ ઝાલે ફરી. ગર્ભ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928