garbe ramwane - Pad | RekhtaGujarati

ગરબે રમવાને

garbe ramwane

દયારામ દયારામ
ગરબે રમવાને
દયારામ

ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ

રાધિકા રંગીલી જેનું નામ અભિરામ,વ્રજવાસણી! રે લોલ!

તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લોલ!

સંગે સાહેલી બીજી છે ઘણી રે લોલ!

કાંઈએક હું કહું તેનાં નામ,વ્રજવાસણી! રે લોલ!

તાળી દેતાં વાગે ઝાંઝરઝૂમખાં રે લોલ!

ગિડ ગિડ તોમ છુમ છુમ છુમ વાજે ઘૂઘરા રે લોલ. તાળી.

ચંદ્રભાગા ને ચંદ્રાવળી રે લોલ,

ચંપકલતા છે ચારુરૂપ. વ્રજ. તાળીo

લલિતા, વિશાખા, વ્રજમંગળા રે લોલ,

માધવી ને માલતી અનુપ. વ્રજ. તાળીo

મન્મથમોદા ને મનઆતુરી રે લોલ,

હંસા, હર્ષા ને હીરા નામ. વ્રજ. તાળીo

કેનકી, પ્રગલ્ભા, પ્રેમમંજરી રે લોલ,

-એ આદે સખી સૌ સુખધામ. વ્રજ. તાળીo

વિવિધનાં વાજિંત્ર વાજે છંદમાં રે લોલ,

તાલસ્વરે મળી કરે ગાન. વ્રજ. તાળીo

'લોલ' કહેતાં અરુણ અધર ઓપતાં રે લોલ,

લટકે નમી મેળવે સહુ તાન. વ્રજ. તાળીo

ખેલ મચ્યો તે વૃન્દાવનમાં રે લોલ,

બંસીબટચોક રસરૂપ. વ્રજ. તાળીo

ગરબો જોવાને ગિરધર આવિયા રે લોલ,

મોહ્યા જોઈ શ્યામાનું સ્વરૂપ. વ્રજ. તાળીo

તે પ્રમાણે મોહ્યાં શ્યામા શ્યામને રે લોલ,

વ્યાપ્યો બેઉ અંગમાં અનંગ. વ્રજ. તાળીo

લલિતાએ લઈ મેળવ્યાં નિકુંજમાં રે લોલ,

રસભર્યા રમાડ્યાં રતિરંગ, વ્રજ. તાળીo

આનંદસાગર ત્યહાં ઊછળ્યો રે લોલ,

મગન થયાં લાડલી ને લાલ. વ્રજ. તાળીo

પરમપવિત્ર ચારિત્રને રે લોલ,

દાસ દયો ગાઈ થયો ન્યાલ! વ્રજ. તાળીo

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010