પ્યાલો પ્રેમનો
pyaalo premno
લખીરામ
Lakhiram

પ્યાલો પ્રેમનો, પ્યાલો પ્રેમહૂંદો પાયો,
જનમ મરણ વાકો ન આવે,
સદ્ગુરુ ચરણે, સદ્ગુરુ ચરણ મેં આયો,
મનમતવાલો પ્યાલો ચાખિયો, પ્યાલો પ્રેમનો૦
ગુરુજી! બંક રે નાળે જે દિ’ ધમણું ધમે,
બ્રહ્મ અગનિ, બ્રહ્મ અગનિ પ્રજાળી,
ઇંગલા, પિંગલા, સુખમણા,
ત્રિપુટીમાં લાગી તાળી –
મનમતવાલો પ્યાલો પ્રેમનો૦
ગુરુજી! શૂન્ય શિખર પર ભઠ્ઠી જલે,
વરસે અમીરસ, વરસે અમીરસ ધારા,
એકલ કુંવારી પ્યાલો ભર દેવે,
સાન સુરતાએ ભર પાયા –
મનમતવાલો પ્યાલો પ્રેમનો૦
ગુરુજી! વિના પાટે, વિના કોળિયો,
ગ્રંથ વિના જાગી, ગ્રંથ વિના જાગી જ્યોતિ,
સૂરજ ચંદ્ર દોનું સાખિયા,
સનમુખ રે’વે સમેતિ –
મનમતવાલો પ્યાલો પ્રેમનો૦
ગુરુજી! ગગન ગાજે ને ધૂર્યું દિયે,
ભીંજાય ધરણી, ભીંજાય ધરણી અંકાશા,
આગમ વાણી બાવો ઓચર્યા,
ઓચર્યા ‘લખીરામ’ દાસા –
મનમતવાલો પ્યાલો પ્રેમનો૦



સ્રોત
- પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 64)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતીખાતુ, ગાંધીનગર
- વર્ષ : 1970