ewa re amo ewa re - Pad | RekhtaGujarati

એવા રે અમો એવા રે

ewa re amo ewa re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
એવા રે અમો એવા રે
નરસિંહ મહેતા

એવા રે અમો એવા રે એવા, વળી તમો કહો છો તેવા રે;

ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. એવા૦

જેનું મન જે સાથે રે બાંધ્યું, પહેલું હતું ઘર-રાતું રે;

હવે થયું છે હરિરસ-માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવા૦

કરમ-ધરમની વાત જેટલી, તે મુજને નવ ભાવે રે;

સઘળા પદારથ જે થકી પામ્યો, તે મારા પ્રભુજીની તોલે

(કો) નાવે રે. એવા૦

સઘળા સંસારમાં એક હું ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;

તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે, એવા૦

હળવાં કરમનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;

હરિજનથી જે અંતર ગણશે, તેના ફેરા ફોગટ ઠાલા રે. એવા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997