એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો
ek varyo gopiijanvallabh, nahiin swamii biijo
દયારામ
Dayaram
દયારામ
Dayaram
એક વર્યો ગોપીજનવલ્લભ, નહીં સ્વામી બીજો.
નહીં સ્વામી બીજો રે, મારે નહીં સ્વામી બીજો,
અવર કોઈનું કામ ન મારે, રીઝો કે ખીજો!
કૃષ્ણ કરે તે પ્રમાણ, કારજ વણસો કે સીજો!
પ્રાણ જાય પણ અન્ય કૃતિમાં મન રખે ભીંજો. એક૦
સુખીદુઃખી જેમ ગમે તેમ રાખે, એના ગુણ ગાઉં,
વિનામૂલનો ઘરનો ગુલામ વેચે ત્યાં વેચાઉ,
એ જ ગમ્યો, એથી મન માન્યું, બીજો નવ ચાહું,
એના અતિ અવતાર, હું કોઈનો દાસ ન કહેવાઉં. એક૦
કૃષ્ણ વિના શિર અવર નમે તો છેદનનો દંડ,
નંદકુંવરવણ નામ જપે તો જીહ્વા કરું શતખંડ,
અવર દેવની આશ કર્યે અઘ ભજે, વળી બ્રહ્માંડ
અન્ય અમરદર્શને દોડે પગ તો પાડું પિંડ. એક૦
હું ચાતક, જળ સ્વાતિ શ્રીજી, હું જખ, હરિ વારિ,
હું હારીલ, કાઠી, હરિ, દૃઢવત ધારી તે ધારી,
અનન્ય પતિવ્રત જેને નહીં તે કહીએ વ્યભિચારી,
શ્રીગુરુદેવ! નભાવજો, કહે દયો, સદા ટેક મારી. એક૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
