ek vaar jo aave... - Pad | RekhtaGujarati

એક વાર જો આવે...

ek vaar jo aave...

વિશ્વનાથ જાની વિશ્વનાથ જાની
એક વાર જો આવે...
વિશ્વનાથ જાની

એક વાર જો આવે, ઉદ્ધવ! એક વાર જો આવે,

સુખ જોઈ મનડાને ઠારું, ‘માતા’ કહી બોલાવે. ઉo

હું અણલહેતીએ એમ જાણ્યું, જે જદુપતિજી જાશે;

લક્ષ લાડ કરી કરગરતો, તે પુત્ર પિઆરો થાશે. ઉo

સુંદર મુખ પર જુગ આખાની શોભા સઘળી વારું;

ચુંબન કરી રુદે-શું ચાંપી ખોળા માંહે બેસારું. ઉo

વિનય કરી વીગત-શું પૂછું, રીસલડી ઉતારું;

કોમલ કર બાંધ્યા મેં માડી, તે મન દુખાણું તારું? ઉo

‘હું ભૂખ્યો છું, ધવરાવો, માડી!’ કહેતાં ગૌ હું દોહતી;

ટળવળતો ત્રીકમને મૂકી ગોરસ ઘણાં વલો’તી. ઉo

મોહનજી મથુરા જઈ બેઠો, ગત શમણે નહોતી;

કામ કરી કેશવને જોતી, અતિ અભ્યંતર મ્હોતી. ઉo

નરનારીની દૃષ્ટે પડતો, તેહેનાં ચિત્તને હરતો;

હું ચિંતવતી આગળ આવું, એવું આચરતો. ઉo

ખીટળિયાળા શુભ કેશ ગૂંથતી, બળે કરી બેસાડી;

મુખ ધોઈને તિલક સારતાં આંખ ઠારતો મારી. ઉo

અંજન કરી કમલ-દલ-લોચન, કંઠ બાંહોડી ધારી;

‘માતા! સુખડી મુજને આપો’, તે માયા કેમ ઉતારી? ઉo

પંચ રાત્રિનું પુણ્ય હતું તે, જાણું છું જે ટળિયું;

સુખ પૂંઠે દુઃખ વળગ્યું આવે, તે વચન શાસ્ત્રનું મળિયું. ઉo ૧૦

અમૃત આવ્યું’તું કર માંહે, ઓછે કરમે ઢળિયું;

જળહળતો બ્રહ્મ કાનજી, વ્રજવાસીએ નવ કળિયું. ઉo ૧૧

એક ઘડી સુખની કહાણી, કહેતાં બહુ જુગ જાયે;

કોટિ જિહ્વાએ વૈભવ વર્ણવતાં, તો પૂરણ થાયે. ઉo ૧૨

ઉદ્ધવ! કીડીને મુખ કોળું, કહો, કેઈ પેર સમાયે?

જાની સરખા કવિ કળજુગમાં શી ગોકુળલીલા ગાયે? ઉo ૧૩

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002