‘એક તું’, ‘એક તું’ એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’
ek tu ek tu aem sahu ko stave, kon hun
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
‘એક તું’, ‘એક તું’ એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ - તે નહીં કો વિચારે;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આયિવો જગ વિશે?' ‘જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે?' એક૦
પ્રતિદિન જડ કને જઈ-કરી માગતો : 'ઈશ! તું સહાય થાજે સદા રે’;
તો પણ દુઃખ તો લેશ ટળતું નથી, થાકતોયે નથી તું કદા રે. એક૦
કોઈ તો ઉદધિ (ને) ગગનમાં તાકતા, ભાખતા જોઉં છું નમ્ર વાણી;
‘કોણ હું? કોની કને માગું શા હક થકી?’ - તે નથી જાણતાં મૂર્ખ પ્રાણી. એક૦
એમ કરતાં કદી લાભ જો પામિયો, તો કહે ‘હરિ તણી સહાય થઈ રે’;
કામ કથળ્યા થકી ભવિષ્યને ભાંડતો પૂર્વના કર્મનું નામ લઈ રે. એક૦
પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ તે કામ કરશે?
સત્ય સમજી કદી ૫રમપદ ૫રખશે, ભવ-ભય-ભ્રમને તે જ હરશે. એક૦
આકના વૃક્ષથી અમૃતફળ તોડવા મૂરખ જો કદી આશ ધરશે,
શ્રમ તેનો વૃથા તો જશે જગ વિશે, જ્ઞાનહીણો સદા તે જ ઠરશે. એક૦
જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે;
હું અને તુંપણું તજીશ, નરસૈંયા! તો ગુરુ તને હર્ષથી પાર પાડશે. એક૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
