draupadi ni fariyaad - Pad | RekhtaGujarati

દ્રૌપદીની ફરિયાદ

draupadi ni fariyaad

ભાલણ ભાલણ
દ્રૌપદીની ફરિયાદ
ભાલણ

હરજી, સાંભળોરે દ્રોપદી બોલે વાણ-

હસ્તિનાપુર તહમો જાઓ છો, વાહાલા વિષ્ટિ કરવા રે;

પિયુડા માહારા કાયર થઇને, હીંડે છે ઉગરવા રે. હરજી...

દેશ આપશે, ધન આપશે, પાંચે સુખીઆ થાશે રે;

પણ હૈયે હોળી લાગી છે મારે, તે કહો કેમ હોલવાશે રે. હરજી...

દુઃશાસને ચીર તાણીઆં, ને કર્ણ કઠણ બહુ ભાખે રે;

બળતું તે ક્યમ હોલાશે, સઘળા માર્યા પાખે રે. હરજી...

માહારા સમ જો મેળ કરો તહમો, માગું છું દેવ મોરારી રે;

કામ જો કરવું હોય તો, મુજને જાજો મારી રે. હરજી...

ક્ષત્રી કોએ કાયર નો હોએ, તે માટે હું માગું રે;

યુધિષ્ઠિર બ્રાહ્મણ થયા તો, થડ થ્યું વાંકું રે, હરજી...

બાપ ભાઇ માહારા બલીઆ છે, તે આગળ થઇને વઢશે રે;

એમ કરતાં જીતશે તો, જશ તહમને ચઢશે રે. હરજી...

જેણે પહેરી કાંચળી, ધનુષ બાણ તે મેહેલી રે;

તેહેની આશા શી કરો, વાત કહું છું રેલી રે. હરજી...

મેળ કરીને તમે આવશો, તો છાંડીશ પ્રાણ રે;

દુર્યોધન જીવે જીવું તો, તહમારા ચર્ણની આણ રે. હરજી...

સભામાં સહુ દેખતાં હું, ગાઢે સાદે રોઈ રે;

વીર કહાવીને પાંચે બેઠા, તેહવારે સામું જોઇ રે. હરજી...

માત તેની વાંઝણી જે, વીરવ્રત પાળે રે;

પરણી હોયે નાર તેહનું, દુઃખડું તો નવ ટાળે રે. હરજી...

કેશવજી હું શું કરૂં, પ્રીત પાંચશું માંડી રે;

ઓડૂં જોતાં માહારૂં, સુખે સુએ છે રાંડી રે. હરજી...

વિષ્ટિ કરવા મોકલે છે, શામસુંદર તહમને રે;

એવા જો નિર્બળ હુતા તો, શાંહાંને પરણ્યા મુજને રે. હરજી...

રાજ્યનું કશું છે નહિ, અહમારે કાંઈ કામ રે;

ત્યાગ કરજો જ્યમ રાવણનું, કર્યુ ભાલણ પ્રભુ શ્રીરામે રે. હરજી...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928