દીવા તો છે ઘેર ઘેર રે, તેને જાળવી જોજો
Diva To Chhe GHer Gher Re, Tene Jalvi Jojo
ધીરો
Dhiro

દીવા તો છે ઘેર ઘેર રે, તેને જાળવી જોજો;
શોભામાં અનુપમ રે, કારજ ખરું નવ ખોજો.
એના વિના પળ વાર ન ચાલે, રહે અંધારું ઘોર,
માનવ છતાં પશુપક્ષીના જેવું, દર્શે તે ઠોરે ઠોર;
દીવો ઝગમગતો રે, ખુશી જોઈને હોજો.
એની શિખા તો એના થકી સારી, શોભામાહીં દેખાય,
હાથ અડે તો કરી દે અવળું, લક્ષણ રૂડાં લેખાય;
અરર કહેવડાવે રે, દાઝ્યા દાઝ્યા કહી રોજો.
પાત્ર ધરો તો વળે અતિ કાજળ, એવું કાળું ભરી રાખ્યું ક્યાંય,
સુવર્ણ જેવામાં શામતા કેવી, મારે કહેવાનું છે એની માંય;
લક્ષ્મી લહો એવી રે, બૂડો વધતાં બોજો.
સ્પર્શમાં તીક્ષ્ણતા એની એવી, અંતરમાં કાળાશ,
બુદ્ધિવાનને બુરાડી દેતી એ, કોઈની કરે નહિ બાલાશ;
ધીર ધ્યાન ધારી રે, જણાશે એ જોજો.



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 82)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ