નર્મદ
Narmad
ધિઃક ધિઃક દાસપણૂં દાસપણૂં;
બળ્યું તમારૂં શ્હાણપણું. - ધિઃક ધિઃક - ટેક
જીવ વ્હાલો ને સ્થિરતા વ્હાલી, કરી શું જોયા કરવું;
કાયર થઈ અરિને નવ મળતાં, દાસપણાંમાં મરવું? - ધિંઃક...
શૌર્ય કુલીનતા વિના આપણે, માણસ પુતળાં જેવાં;
જીવ છતે નિર્જિવમાં ખપવૂં, એ હિણ લક્ષણ કેવાં - ધિઃક...
રે સંતોષ અને ડહાપણ પણ, પરવશપણમાં રેહવું;
એ સ્થિતિ કેરૂં સુખ સંધૂં તે, અસ્થિર નીચું લ્હેવું - ધિઃક...
સુખ ઊંચા ને સુખ નીચાં ને, તોય શું બંને સરખાં?
સ્વતંત્રતા જળ હલકાં મીઠાં, દાસ્યનાં ભારી ચરકાં - ધિઃક...
બણી ઠણીને વેશ્યાચાર જ, અધમ દાસ સુખ માણે;
બતક બગ સારસ હંસ જુથમાં, ભળે ન કાગ પ્રમાણે - ધિઃક...
નથી શ્હાણપણ ટકટક જોવે, પરજન હક લુટે તે;
મોટપ છે શૂરાતન દાખે, ઠગને કરવે છેટે - ધિઃક...
કહે નર્મદ શુભ ઇચ્છી જનનું, નરપણહક સાચવવા;
જીવ જતાં લગી મથતાં રહેવું, સંતતિને બતલાવ્વા - ધિઃક...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 149)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
