dhanya tun, dhanya tun, raay ranchhodjii - Pad | RekhtaGujarati

ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી

dhanya tun, dhanya tun, raay ranchhodjii

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી
નરસિંહ મહેતા

ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી! દીન જાણી મુંને માન દીધું;

નહિ મુજ જોગ તે ભોગ મેં ભોગવ્યા, અજ-અંબરીષથી અધિક કીધું. ધ૦

કનકને આસને મુજને બેસાડિયો, રુકમિણી વચને તે હાથ સાહતાં;

હેત આણી હરિ ચરણ તળાંસતા, ખટરસ ભોજન સંગ કરતા. ધ૦

બાળપણા તણો સ્નેહ નવ વીસર્યો, મિત્ર મોહન તણી પ્રીત સાચી;

દીન જાણી મને દયા કીધી ઘણી, બેંક બેસાડિયો કનક-માંચી. ધ૦

ધન્ય ધન્ય, કૃષ્ણજી! સંત સેવા કરી, ધ્યાન ધરતો હું નિજ દ્વાર આવ્યો;

જાડિત-રતન-મણિ, ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા આંહીં લાવ્યો? ધ૦

કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉદ્દ્યોત દીસે;

ખાન ને પાન, વિહાર-સ્થાનક ઘણાં, કામિની નિરખતાં કામ હીસે. ધ૦

નવ-સપ્ત વ૨સની દીઠી ત્યાં સુંદરી, નારી નવજોબના બહુ રૂપાળી;

સોળ શણગાર તે અંગ સુંદર ધર્યાં; દેવ વિમાનથી રહ્યા નિહાળી. ધ૦

સહસ્ર દાસી મળી નાર વીંટી વળી, કામિની કંથની પાસ આવી :

‘સ્વામી રે, સ્વામી! હું દાસી છું તમ તણી, મંદિર પધારિયે પ્રેમલાવી.’ ધ૦

ગોમતીસ્નાન ને નિરખવું કૃષ્ણનું, પુણ્ય પ્રગટ થયું, પાપ નાઠું;

કળિકાળમાં જંતુ સહેજે તરે, જેને શ્રીકૃષ્ણ-શું હોય ધાઠું. ધ૦

કૃષ્ણ-માહાત્મ્ય લહી ઘેર આવ્યો વહી, નવલજોબન થયાં નર ને નારી;

વારતા કથતાં રજની વીતી ગઈ, નરસૈંના નાથની પ્રીત ભારી. ધ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994