ચિત્ત, તું શીદને ચિંતા ધરે?
chitt, tu shid ne chinta dhare?
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ચિત્ત, તું શીદને ચિંતા ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે. ટેક
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સમરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મમરણ જાય પરે. કૃષ્ણને...
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે. કૃષ્ણને...
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર વગાડે જંત્રા, સૂર તેેવો નીસરે. કૃષ્ણને...
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોઠું ગરે. કૃષ્ણને...
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેહને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુટાઈ તું મરે? કૃષ્ણને...
તારું ધાર્યું થતું હોય તો, સુખ સંચે, દુઃખ હરે;
આપપણું અજ્ઞાનકુળ એ, મૂળ વિચારે ખરે. કૃષ્ણને...
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે,
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે. કૃષ્ણને...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 66)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
