chhaanun na rahe - Pad | RekhtaGujarati

છાનું ન રહે

chhaanun na rahe

શામળ શામળ
છાનું ન રહે
શામળ

કો કોને મોઢે નવ કહે, પાપ કર્યું કેમ છાનું રહે?

છાનું ન રહે થયું પ્રભાત, છાની ન રહે પડી જે રાત.

છાનો ન રહે ખોદ્યો કૂપ, છાનો ન રહે જે બેઠો ભૂપ;

છાનું ન રહે દેહમાં દુઃખ, છાની ન રહે લાગી ભૂખ.

છાની ન રહે સ્ત્રીની પ્રીત, છાની ન રહે ઉત્તમની રીત;

છાનું ન રહે જે અમલ પિયે, છાનું ન રહે જે દાન જ દિયે.

છાની ન રહે વ્યસનની ખાજ, છાની ન રહે ભીતરની દાઝ;

છાની ન રહે કીર્તિ કોઈ તણી, છાની ન રહે જે વિદ્યા ભણી.

છાનો ન રહે દાતાર ને જાર, છાનો ન રહે રાગ ગાનાર;

છાની ન રહે વાતો જે નવી, છાનો ન રહે કહેવાયો કવિ.

છાનો ન રહે કસબી જેહ, રૂડો કે પછી ભૂંડો તેહ;

છાનો ન રહે રૂઠ્યો મેહ, છાનો ન રહે દુખિયો દેહ.

મીની-ઉંદરમાં ન રહે ખીર, છાનું ન રહે નપુંસકનું નીર;

પારો ચડે તેમાં ન રહે ટુકડો, છાનો ન રહે બહુચરનો કૂકડો.

છાનું ન રહે કોઈનું આપ, છાનું ન રહે હડકાયું પાપ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 26)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964