ચાલો સખી! વૃંદાવન જઈએ
chaalo sakhii! vrundavan jaiye
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ચાલો સખી! વૃંદાવન જઈએ, જિહાં ગોવિંદ ખેલે હોળી;
નટવર વેશ ધર્યો નંદનંદન, મળી મહાવન ટોળી. ચા૦
એક નાચે, એક ચંગ વજાડે, છાંટે કેસર ઘોળી;
એક અબીર-ગુલાલ ઉડાડે, એક ગાય ભાંભર-ભોળી. ચા૦
એકએકને કરે છમકલાં, હસી હસી લે કર તાળી;
માંહોમાંહે કરે મરકલા, મધ્ય ખેલે વનમાળી. ચા૦
વસંતઋતુ વૃંદાવન પ્રસરી, ફૂલ્યો ફાગણ માસ;
ગોવિંદ-ગોપી રમે રંગભર, જુએ નરસૈયો દાસ. ચા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
