chaaliyo vaatman, gyaan ghaatmaan - Pad | RekhtaGujarati

ચાલિયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં

chaaliyo vaatman, gyaan ghaatmaan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ચાલિયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં
નરસિંહ મહેતા

ચાલિયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો;

'ધન્ય તું નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ, હે કૃષ્ણ, મુખ એમ કહેતો. ચા૦

માગનું મૃત્યુ ૫રમાણ છે પ્રાણીને, લોભ કીધો તિહાં પ્રીત તૂટે;

મંન અબળા સુખે વાટ જોતી રહે, માંગતાં તો બધો મરમ છૂટે. ચા૦

વાટ જોવી નથી, માગવું મેં નથી, ભોગવું કર્મ જે ભાગ્ય લાવે;

શ્રીપતિ નાથ ને રંક હું સરજિયો,' એમ કરતાં જદુ-દ્વાર આવ્યો. ચા૦

આવી ઊભો રહ્યો, કંઠ ગદ્ગદ થયો, કોટિ-સૂરજ-શશી-જ્યોત ભાસે;

ઉર દયા આણીને, હરિજન જાણીને, પોળિયે જઈ કહ્યું કૃષ્ણ પાસે. ચા૦

મંદિરમાં તેડિયા, ચાલીને ભેટિયા, ત્રિવિધના તાપ તે સર્વ નાઠા;

હેમ-સિંહાસને લેઈ બેસાડિયા, તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટ્યાં. ચા૦

તેલ-ફૂલેલ મર્દન કરાવિયાં, શુદ્ધ ઉષ્ણોદકે સ્નાન કીધું;

કનકની પાવડી ચરણ આગળ ધરી, કૃષ્ણે ચરણોદક શીશ લીધું. ચા૦

પુનિત પીતાંબર પહેરવા આપિર્યું, કનકને થાળે પકવાન દીધાં,

ભાવતાં ભોજન કૃષ્ણ સાથે કર્યાં, લીધાં આચમન ને કારજ સીધ્યાં. ચા૦

કૃષ્ણે પરિયંક ૫ર હેતે પોઢાડિયા, દધિસુતા વીંઝણે વાયુ ભરતાં,

સત્યભામાદિકનાર નિરખી રહી, નરસૈંનો નાથચરણ-સેવાકરતા. ચા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994