બીબે બીજી ભાત પડી
bibe biji bhat padi
હોથી
Hothi
આ તે રંગ શેનો રે, એ જી બીબે ભીજી ભાત પડી,
એવા વાલમ વ્રેહની રે, એ જી મુંને નિશાની જડી.
આતમ ચીન્યા વિના કથણી કથે રે, કૂડાં બ્રહ્મ ગિનાન,
ભક્તિ તણો જેને ભેદ ન લાધ્યો રે, મેલે ઢૂંસાની પરાણ.
એવા વાદ વદીને રે, કાઢે છે હડિયાહડી...
નટવા હોય તે નાટક ખેલે રે, ઊભે વાંસ ચડી,
આ પલ ચૂક્યો આતમા રે, અધવચ રહીશ અડી.
એવો જોગ ન સાધ્યો રે, ખેલ છે ખરાખરી...
શૂરા હોય તે સનમુખ રેવે રે, આગુની ઓળખાણ,
પૂરવના નર પરગટ હોશે રે, નિત નિત અદકી સુવાસ.
એવા રણવટ ચડિયા રે, હાથે લઈ ગિનાન છડી...
નિરવિખ હો કર સમરણ કર લે, ત્રિવેણી ટંકશાળ,
દાસ હોથીને ગુરુ મોરાર મળિયા, સબળે લીધી સાર.
એવો ત્યાંથી રંગ લાગ્યો રે, કુબુદ્ધિને કાઢી પરી...
આ તે રંગ શેનો રે, એ જી બીબે બીજી ભાત પડી.
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ, ડિસેમ્બર, ૨૦૨૧
- સંપાદક : ફારૂક શાહ