bhutal bhakti padarath moto - Pad | RekhtaGujarati

ભૂતળ ભક્તિ પદારથ મોટો

bhutal bhakti padarath moto

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ભૂતળ ભક્તિ પદારથ મોટો
નરસિંહ મહેતા

(રાગ આશાવરી)

ભૂતળ ભક્તિ પદારથ મોટો, બ્રહ્મલોકમાં નાહીં રે;

પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂ૦

હરિના જન તો મુક્તિ જાચે, જાચે જનમોજનમ અવતાર રે;

નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે. ભૂ૦

ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,

ધન્ય ધન્ય એનાં માતાપિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂ૦

ધન્ય વૃંદાવન, ધન્ય લીલા, ધન્ય વ્રજનાં વાસી રે;

અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. ભૂ૦

રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે,

કાંઈએક જાણે વ્રજની વનિતાઃ ભણે નરસૈંયો ભોગી રે. ભૂ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997