Bhav na Ransangram ma Trividh Taap Ari Mot - Pad | RekhtaGujarati

ભવના રણસંગ્રામમાં ત્રિવિધ તાપ અરિ મોટ

Bhav na Ransangram ma Trividh Taap Ari Mot

નર્મદ નર્મદ
ભવના રણસંગ્રામમાં ત્રિવિધ તાપ અરિ મોટ
નર્મદ

ભવના રણસંગ્રામમાં ત્રિવિધ તાપ અરિ મોટ;

થઈ સન્મુખ લડવૂં બળે, કળે મારવી ચોટ.

જુદ્ધ રામ રાવણ અને પાંડવ કૌરવ તેહ;

ત્રિવિધ તાપ આત્માત, એથી ઓછું લેહ.

એવાં ભવરણ જુદ્ધમાં, મચ્યો રહું છું જાણ;

નવ ફાવૂં પણ રહું ટક્યો, ઊંચો મારો પ્રાણ.

ઘાયલપણમાં રાચતો, પ્રસંગ ખોળૂં નીત;

જીતૂં કે પડું જુદ્ધમાં, એવી દૃઢ મુજ રીત.

અંગીયો મૂઝાય બહુ, તેથી હું મૂઝાઉં;

સુખ પાછલૂં સાંભરે, પણ કોને હું સ્હાઉં.

હું તો રણમાં છું પડ્યો, હવે શી બીજી વાત;

રણ જીતૂં કે રણ પડું, રણ રણ દિન ને રાત.

માટે આ જન માહરા, તમે માહરા સાચ;

મારા જેવા થઈ રહો, લહો ન કાંઈ આંચ.

શોક શત્રૂ સામાં વ્હડો, લઈ ઉદ્યમની ફોજ;

પ્રાહણે પણ લો સાહ્યતા, હર્ષ રંગની રોજ.

ધીરજ હિંમત ઉદ્યમે, દરસાવો ઊમંગ;

નચિંત રેહ મુજ જીવ જો, જોય તમારા રંગ.

મથતાં મથતાં તો વળી, રણબાજી જીતાય;

કદી પડ્યો તોપણ લહૂં, જસવંતી મુજ કાય.

સત્ય ટેક પરમારથે, પ્રેમે ઊંચો તેહ;

હાર્યો પણ જસમાં પડ્યો, એમે વળી જન કેહ.

કદી ન કેહે જન સહૂ, અંતરસાક્ષી કેહ;

વળિ કહે અનુભવ નીતિને, ઊંચ હૃદય મન તેહ.

ઓ મુજ વ્હાલા ભક્ત સહૂ, ધરી માહરો ગર્વ;

ધીરજથી ઉદ્યમ કરો, કાર્ય સીઝશે સર્વ.

દો ઉત્તેજન રંગથી, પ્રેમ કુમળ નવ રોહ;

સમય જુઓ સંગ્રામનો, એ સંબંધી કોહ.

જીત કરી ઠરી ઠામ થઈ, પ્રેમ મ્હાલશૂ ભાઈ;

સંકોચિત તે શોભસે, જાશે બહુ ઉભરાઈ.

પરી કરો મુઝવણ અને, મચો કામમાં મ્હસ્સ;

લઈને દો આશીષ કે, નર્મદ લે રણ જસ્સ.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 153)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ