bhale re sarjya amo lok bharvada - Pad | RekhtaGujarati

ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં

bhale re sarjya amo lok bharvada

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં
નરસિંહ મહેતા

ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,

નિત્ય વલોણું વલોવતાં રે લોલ.

લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,

મેરુ રવૈયો ઘાલી રે લોલ. ભલે...

એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં.

એકી પા કાનજી કાળા રે લોલ. ભલે...

હળવા હળવા ઘૂમજે રે કાનજી,

ગોળી નંદાશે મારી રે લોલ. ભલે...

ગોળી નંદાશે ને ચોળી છંટાશે,

તૂટશે મોતીની માળા રે લોલ. ભલે...

કાળીનાગનાં નેતરાં રે કીધાં,

મેરુ કીધો રવૈયો રે લોલ. ભલે...

સાત સાહેરની ગોળી રે કીધી,

ને ચંદો સૂરજ બે સાખી રે લોલ. ભલે...

ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,

સાત સાહેર વલોવતાં રે લોલ. ભલે...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941