bhakti shurwirni sachi - Pad | RekhtaGujarati

ભક્તિ શૂરવીરની સાચી

bhakti shurwirni sachi

ભોજો ભગત ભોજો ભગત
ભક્તિ શૂરવીરની સાચી
ભોજો ભગત

ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)

મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;

કામ-ક્રોધ-મદ-લેાભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.

ભક્તિo

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;

કાયર હતા તે કંપવા લાગ્યા, તો નિશ્ચે ગયા નાસી રે.

ભક્તિo

સાચા હતા તે સન્મુખ ચડયા ને, હરિસંગે રહ્યા રાચી;

પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.

ભક્તિo

કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી;

અષ્ટ સિદ્ધિને ઇચ્છે નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે.

ભક્તિo

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;

ભોજો ભગત કહે ભડ થયા, તો વૈકુંઠના વાસી રે.

ભક્તિo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983