bhakti ne morache bhad kok aangame - Pad | RekhtaGujarati

ભક્તિને મોરચે ભડ કોક આંગમે

bhakti ne morache bhad kok aangame

ભોજા ભગત ભોજા ભગત
ભક્તિને મોરચે ભડ કોક આંગમે
ભોજા ભગત

ભક્તિને મોરચે ભડ કોક આંગમે,

રણસંગ્રામે પદ કોક રોપે;

સત્ય તણું પારખું જુએ જ્યારે શામળો,

દુઃખ સુખ નાવે મરની! દૈવ કોપે. ભક્તિ...

પ્રથમ સતયુગમાં પ્રલ્હાદને પીડિયો,

ભીડિયો થંભ તે લોહ તાતો;

(તોયે) ધીર નવ ધડકિયો (ભયથી નવ ભડકિયો)

થડકિયો ત્રૈલોક્ય જાતો. ભક્તિ...

મોરૂધ્વજને વે'રતાં મે'ર નાવી મા'વને,

ઝેર આણ્યું તે બધી જગત્‌ જાણે;

કહો શિર ઉપર કરવત મે'લાવિયાં,

એકી કોરે દીકરોને વહુ બેય તાણે. ભક્તિ...

શેહેર છોડી ચાલિયાં મેલ્યાં મંદિરને માળિયાં,

રાણી રોહિદાસ ને હરિશ્ચંદ્ર રાજા;

ભક્તિને કારણે શ્વપચને બારણે,

નરપતિ નીર ભર્યું ને મેલી માઝા. ભક્તિ...

બળી સાથે છળ કર્યો, વામન થઈ પરવર્યો,

આગળ આવી કરગર્યો ભૂમિ માગી;

શુક્રાચાર્યે વારિયો તોય હૈયેથી નવ હારિયો,

રાખિયો ધર્મને તંન ત્યાગી. ભક્તિ...

પાંડવ પણ ગ્રહી રહ્યા અસામર્થ થઈ રહ્યા,

હતા સમર્થ પણ વચને ચાલ્યા;

સતી તણાં ચીર હર્યાં પાંચે વન પરવર્યાં,

દુષ્ટ દુર્યોધન મો'લુંમાં મા'લ્યા. ભક્તિ...

કરણ પાસે જાચવા કૃષ્ણજી આવિયા,

વિઠ્ઠલે વિપ્રનું રૂપ લીધું;

બાણની સજ્જા કરી તેણે સમે આવ્યા હરિ,

રક્ત ધોઈ રેખુંનું દાન દીધું. ભક્તિ...

સમન ને મેજન બે સંતના ઓલગુ,

મોટી દશામાં જેણે મંન ગાળ્યાં;

અસત્ય આવી ઘણી તે સમે આવી બણી,

શીશ અર્પણ કરી મત્ત પાળ્યાં. ભક્તિ...

શેઠ સગાળને બાળ વેધાવિયું,

ધણી પધાર્યાજ એ ધર્મ જોવા;

નરને નારી મળી ખાંડવા બેઠાં વળી,

કો સત્યવાદી બેસે કેમ રોવા; ભક્તિ...

ચોરાસી જાતમાં સત્ય એમ પાળવું,

તો ચાર જુગમાં તેને કોણ લોપે;

ભોજલ ભક્તિનું રૂપ બહુ ભાતનું,

આ લોક પરલોકમાં એજ ઓપે. ભક્તિ...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928