ભક્તિ એવી રે ભાઈ એવી, જેમ તરસ્યાંને પાણી જેવી
bhakti aevii re bhaii aevii, jem tarashyaanne paani jevii


ભક્તિ એવી રે ભાઈ એવી, જેમ તરસ્યાંને પાણી જેવી;
એક ગોધન ચરવાને જાય, એની સુરતા વાછરડાં માંય;
ચરણે ફરવું ને ચોદિશ રહેવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. ભક્તિ0
એક યુવતી જળ ભરવાને જાય, સામી સખીઓથી વાતો થાય;
માથે બેડું ને લે છે તાળી, મુખે હસે છે વારી વારી;
બેડું ચિત્તથી નથી રે વીસરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. ભક્તિ0
એક ભ્રમર કમળમાં રહે છે, તેને વાસના કેવી ગમે છે?
સાંજ પડીને કમળ બિડાયું, અકળાયો ને ક્યાંય ના જવાયું;
એને કમળની પ્રીતે રે મરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. ભક્તિ0
એક ચોર તે ચોરી કરે છે, પરમંદિરે ફેરા ફરે છે;
વળી માઝમ રાત અંધારી, મૂરખ ડરતો નથી રે લગારી;
પારકું ધન પોતાને રે હરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. ભક્તિ0
બપૈયાને વરસાદ વહાલો, એવી પ્રેમભક્તિ તમે ઝાલો;
ચકોર ચિત્ત ચંદ્રમાં ઘાલે, અણપેખતાં દૃષ્ટિને બાળે;
કહે કલ્યાણ એથી ન ઊતરવું, એવું હરિચરણે ચિત્ત ધરવું. ભક્તિ0



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 25)
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1964