અખો
Akho
ઉવેખ ન કરે કોઈનો આતમા વિલસી રહ્યો;
જેહને શ્રી ભાગવત ગાયે, ગીતા ઉપનિષદે જે કહ્યો.
ભાઈ, ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે :
સ્વામી મારો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે.
ભુવન ત્રણમાં રહ્યો પૂરી, પૂરણ સ્વે પરમાતમા;
પોતે તો પિયુજી નિરંતર, પણ ભેદ દેખે ભાતમાં.
મારો રામ રમે છે સર્વ વિષે, એમ હેતે હીસે મન;
હરિ કહે, સાંભળે હરિ, હરિને સોંપે તન.
નિત્ય રાસ નારાયણનો, દેખે તે અનંત અપાર;
જિંહાં જેવો તિંહાં તેેવો, નારાયણ નરનાર.
ગદ્ગદ કંઠે ગાતે થકે, રોમાંચિત હોયે ગાત્ર;
હર્ષ આંસુ બહુ હેત હૃદય, પ્રેમ કેરું તે પાત્ર.
ખાતો, પીતો, બોલતો, દેખતો તે સઘળે રામ;
વેધ્યું મન રહે તેહનું, શિથલ સંસારી કામ.
નવનીત સરખું હૃદે કોમલ, કહ્યું ન જાયે હેત;
આંખ માંહે અમૃત ભરિયું, હરિભક્તિ કેરું ક્ષેત્ર.
જેમ જારે લુબધી યુવતી, તેનું મન રહે પ્રીતમ પાસ;
અહર્નિશ રહે આલોચતી, ભાઈ એવું મન હરિદાસ.
કહે અખો સહુકો સુણો, હરિલક્ષ લાગ્યો ચિંતને;
મનન તેહને માહાવનું, તે સેવે હરિ–ગુરુ-સંતને.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
