bhagyaa jojo aa krupan bhikshuk tanun - Pad | RekhtaGujarati

ભાગ્ય જોજો આ કૃપણ ભિક્ષુક તણું

bhagyaa jojo aa krupan bhikshuk tanun

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ભાગ્ય જોજો આ કૃપણ ભિક્ષુક તણું
નરસિંહ મહેતા

'ભાગ્ય જોજો કૃપણ ભિક્ષુક તણું'. રુકમિણી આદિ સહુના બોલે;

‘હળધર જોગ તે ભોગ પમાડિયા, અજ-અંબરીષથી અધિક તોલે. ભા૦

અંગ અતિ કમકમે, ધમણ મોંએ ધમે, ગ્રસિત ઝરવાળિયે નાક લૂ'તો;

જોજો કૌતુક હરિ, દેહદશા ગઈ ફરી, કૃપણ તે કૃષ્ણને સંગ સૂતો.' ભા૦

પોઢીને ઊઠિયા, આસન બેસાડિયા, વદન પખાળવા નીર દીધું;

કનક-ઝારી ભરી શીત જળ આપિયું, સ્વાદ સુધા થકી અધિક પીધું. ભા૦

શ્રીમુખ બોલિયા : ‘કહોજી, બાંધવ! તમો બ્રહ્મચારી કે ગૃહધર્મ કીધો?

કુશળ છે બાળગોપાળ સહુ તમ તણાં? ભાગ્ય મોટું : મનેચિત્તલીધો. ભા૦

ગૃહસ્થના ધર્મમાં હું વળગી રહ્યો, હું તે મા૨ી વળી ગત્ય ભૂલ્યો;

મિત્ર સુદામાની શૂધ લીધી નહીં, કામિની-કેલમાં હું ડૂલ્યો. ભા૦

સાંદીપનિ ગુરુને ઘેર આપણ ભણ્યા, ધન્ય ધન્ય દિવસ તે સફળ કહાવ્યો;

એક રેણી રહ્યા વન વિશે, આપણે, સર૫ણ ભાંગતાં મેહ આવ્યો. ભા૦

અન્ન લીધા વિના ભૂખ્યા બેસી રહ્યા, ગોરાણીએ આપણી પીડ જાણી;

વીસરી ગયું? કે વીર! તુંને સાંભરે સાંદીપનિ ગુરુની અચળ વાણી? ભા૦

ભાભીએ મોકલી ભેટ જે મુજ ભણી ભાવ-શું, ભાઈ! તે લાગે મીઠી;'

સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે, નરસૈના નાથે તે નજરે દીઠી. ભા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994