giridhar vahelaa aavjo - Pad | RekhtaGujarati

ગિરિધર વહેલા આવજો

giridhar vahelaa aavjo

મૂળદાસ મૂળદાસ
ગિરિધર વહેલા આવજો
મૂળદાસ

સરસ્વતી શારદાને વિનવું, ગુરુવા ગણપત લાગું પાય,

સાધુ સંતની રે સેવા કરું, મારી કાંઈ જીભલડીએ જશ થાય;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

કારતક મહિનાના રે કાહાનજી, વસિયા દેશ ને પરદેશ,

હું નારી નાનડી હરિ નાનડી, જોબન મારું બાલુડે વેશ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

માગશર મહિનાના રે માવજી, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,

વનમાં મેલી ગયા મારો નાથજી, રમિયે કોની રે સંઘાથ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

પોષે કાંઈ સુકાણી મારી દેહડી, સોસે કાંઈ સુકાણું રે શરીર,

પ્રેમ આતુરતા થઈ પ્રેમદા, વ્હાલા વિના ઘડી નવ રહેવાય;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

માહા કાંઈ મહિનાની રે સેજડી, બીજી કાંઈ વેરણ રાત,

રાતે કાંઈ નાવે હરિ વિના નિદરા, દિએ કાંઈ ભાવે રે અનાજ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

ફાગણ ફુલ્યો રે હરિ ફુલડે! વનમાં કેસુડાંનાં ઝાડ,

તેના કાંઈ નાખું હરિને છાંટડાં, ઉડાડું અબીલ ગુલાલ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

ચઈતરે ચંપો હરિ મોરીઓ, મોરી કાંઈ દાડમ ને બીજી દ્રાક્ષ,

કોયલડી રે ટહુકા કરે, ભમરા કરે છે ગુંજાર;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

વૈશાખે જોઉં રે વ્હાલાની વાટડી જોયા કાંઈ ચારૂ દેશ,

પગના પડછંદા રે વાગિયા, આવતા ઉરને પર લૈશ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

જેઠે કાંઈ જાણ્યું જીવન આવશે, હજી શું નાવ્યા પ્રાણ-આધાર,

ચંદન ગોરી રે સોહામણી, વીંઝણે ઢોળતાં વાય;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

અષાડ મહિનો ભલે આવિયો, માથે કાંઈ મંડેલા છે મેઘ,

તોએ નાવ્યો ગોપી કેરો નાવલો, હરિ કાંઈ બળભદ્રજીનો વીર;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

શ્રાવણ વરસે હરિ સરવડે, નદીએ ખળક્યાં છે નીર,

સોણે સ્વપ્ને હરિ દીઠડા, ભીંજે મારાં નવરંગાં રે ચીર;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

ભાદરવો ભલી પેરે ગાજીયો, ગાજ્યા કાંઈ વરસ્યા છે મેઘ,

મોહન મથુરામાં મોહી રહ્યા, કુબજાએ દીધાં છે ઘણાં માન;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

આસુ માસે હરિ ઘેર આવિયા, પૂરી મારા મનડાની આશ,

બેઉ કર જોડી તુજને વિનવું, તારા કાંઈ મહિના ગાએ મૂળદાસ;

ગિરિધર ગોપીના વર વેહેલા આવજો.

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998