baludo abhimanyu - Pad | RekhtaGujarati

બાળુડો અભિમન્યુ

baludo abhimanyu

લજ્જારામ લજ્જારામ
બાળુડો અભિમન્યુ
લજ્જારામ

હવે શો કરવો ઉપાય, શોકાતુર થઈ બેઠા રાય;

ચિંતાતુર થયા જેટલે, અભિમન્યુ આવ્યો તેટલે.

ઊઠી કુંવર સભા સંચરે, પગ મૂકે ધરતી થરથરે;

ચાલી સભા મધ્યે આવિયો, માન દઈ નવ બોલાવિયો.

સઉકો નીચું નિહાળી રહ્યા, આવકાર કોઈએ કહ્યા;

ક્રોધે ભરાણો તેણી વાર, 'સઉને મારું આણે ઠાર.

નથી ઘેર પિતા અરજુન, નવ બોલાવ્યો તો રાજન;

પિતા ઘેર હોયે જે વારે, લાડ લડાવે સૌ કો ત્યારે.

પિતા વણ નવ બોલાવે હસી,' એવી વાત તેને દિલ વશી;

દૃષ્ટિ ભરી સભા સામું જોય, કરમાયાં મુખ દીઠાં સઉ કોય.

કરી વિમાસણ પાછો ફર્યો, ભીમસેને જઈ કર ધર્યો;

'કેમ રિસાઈ જાઓ તન? પૂંઠ મૂકે દુર્યોધન.

કહે જીતો ચક્રાગઢ પાસ, નહિતર પાછા જાઓ વનવાસ;

ચક્રાગઢ નવ જાણે કોય, તે માટે ચિંતાતુર હોય.'

વળતી બોલ્યો તે અભિમન, 'કાકા, સાંભળો મુજ વચન;

કોઠા હું જાણું સાર, સાતમાનો જાણું પાર.

સાતમાનું જાણું નામ, ત્યાં મરવાનો છે મુજ ઠામ.'

'સાતમો કોઠો આવે જ્યાંય, મુજને સંભારજે તું ત્યાંય.

જો જાણીએ તેનો સાર, મારી ગદા ને નીસરીએ બહાર.'

એવી વાત નકી કરી જ્યારે, સભામાં ભીમ લઈ ગયો ત્યારે.

જુધિષ્ઠિર આગળ તે ગયો, કર જોડીને ઊભો રહ્યો;

'હું પુછું, કાકાજી, આજ, શા માટે દુખિયા મહારાજ?'

ત્યારે મુખથી બોલ્યા વચન, ‘તું તો સાંભળ મારા તન;

વસમી વાત આવી છે આજ, નથી સૂઝતું કામ કે કાજ.

કોઠાજુદ્ધ તણું છે કામ, કો જાણે આણે ઠામ.'

ત્યારે અભિમન્યુ બોલ્યા હશી, ‘એ તો વાત મારે મન વસી.

કોઠા તો હું જાણું સાર, સાતમાનો જાણું પાર.'

ત્યારે જુધિષ્ઠિર પૂછે વાત, 'સાંભળને ભાઈ, તું સાક્ષાત્.

ભેદ છે કોઠાતણા, કહો ભાઈ, તમે ક્યાં ભણ્યા.’

ત્યારે મુખથી બોલ્યો વાત, 'સાંભળો કાકા સાક્ષાત્.

હું ભણ્યો છું માને પેટ, કોઠાની વિદ્યા ઠેઠ;

મામે મને ભણાવ્યો સાર, કોઠાના જાણું પાર.

સાતમો કોઠો આવે જ્યારે, મારું નવ ચાલી શકે ત્યારે.'

ત્યારે તો ભીમ બોલ્યો ગાજી, 'સાતમો કોઠો નાખું ભાજી.

સાતમો છાણમાટીનો હોય, તે તો ભાગી હું નાખું સોય.'

એવી વાત તો સાંભળી જ્યારે, જુધિષ્ઠિર મન હરખ્યા ત્યારે.

'ધન ધન રે બાવન વીર, તેં રાખ્યું સભાનું નીર.'

એમ કહી પોતે તતકાળ, કંઠે આરોપી છે રણમાળ.

રાજા સઉ કો વિસ્મય થયા. રણમાળા પહેરી ઘેર ગયા.

માવડી ઘેર કરે પોકાર, કંઠ દીઠી જ્યારે રણમાળ.

'પિતા જાળંધર હણવા ગયો, બાળુડો રણે વાધિયો,

મોઢે આવે છે થાણ ધાવણ, ક્યમ આગમશો સુત રણ?

વસમા છે કૌરવના પુત, ક્યમ આગમશો નાના સુત?

જેટલાં તરણ ધરતી જાણ, તેટલા ઘા પડે નિર્વાણ.

તે માટે કહું વારંવાર, છાંડો અભિમન્યુ રણવટમાળ;

તું છે લાડકવાયો તન, અળગો નથી કર્યો એક દન.

તુજ વિના રહીશ હું કેમ, ટોળાં-વખૂટી હરણી જેમ;

સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ.

ખોળે બેસારીને હું બાળ, ભોજન કરાવું તતકાળ;

આંખથી અળગા થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છો તતકાળ.

ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દઉં હુંય.'

(પદ)

'મને બાલુડો કહેશો, મારી માવડી રે. ટેક

મા બાળે કાને જળમાં પેસી નાથ્યો કાળી નાગ રે;

મા બાળો વીંછી કેટલો, બધે અંગે ઊઠે આગ રે. બા...

મા બાળો મેઘ કેટલો, તે તો નીર ભરે નવખંડ રે;

મા બાળો વજ્ર કેટલો, તે તો પર્વત કરે શતખંડ રે. બા...

મા બાળો દિનકર કેટલો, બધો અંધકાર પામે નાશ રે,

મા બાળો સિંહ કેટલો, તેથી હસ્તી પામે ત્રાસ રે. બા...

મા બાળો મંકોડો કેટલો, તે તો ખીજ્યો કરડી ખાય રે;

મા મુકાવ્યો મૂકે નહિ, તાણ્યો તૂટી જાય રે. બા...

મા બાળો હીરો કેટલો, પણ તે તો એરણને વેધે રે;

મા બાળો નોળ કેટલો, વડા વશિયરને તે છેદે રે. બા...

મા બાળો અગ્નિ કેટલો, તે તો દહે બાધું વન રે;

મા બાળો તે નવ જાણિયે, જે આખર ક્ષત્રીતન રે. બા...

(સાખી)

અતિ સ્નેહી ને બહુ રણી, જેને વેર ઘણાંય;

સુખે સૂએ માવડી, તે તો ત્રણ જણાંય.

નિર્ધન ને વળી બહુ ધની, જેને વેર ઘણાંય;

સુખે સૂએ માવડી, તે તો ત્રણ જણાંય.

(ચોપાઈ)

સૂએ ચાકર સૂએ ચોર, સૂએ ઘન ગાજતે મોર;

સૂએ જેને પુત્રીઓ ઘણી, સૂએ બે નારીનો ધણી.

સૂએ નિર્ધન ને ધનવંત, સૂએ રાજા રાજ કરંત;

સૂએ જેને સુખ નહિ ઘેર, સૂએ જેને માથે વેર.

સૂએ જેનો ગયો ગ્રાસ, સૂએ રણથી પડ્યો ત્રાસ;

સુખે સૂએ મણિધર સાપ, સુખે સૂએ જેને માથે બાપ.

સુખે સૂએ જોગી અવધૂત, સુખે સૂએ રાજાનો પૂત;

સુખે સૂએ ગુફામાં સહીં, સુખે સૂએ ચિંતા જેને નહીં.

આજ ઘેર નથી અરજુન, સુખે સૂએ ક્યાંથી અભિમન?’

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941