રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથવીના માલિક! તારો જી–હો–જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી–હો–જી.
એ જી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં જી–હો–જી.
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી!–
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન–મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.
એ જી! આખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી–હો–જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન–મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો. જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
(‘સંતભજનાવલી’માંથી)
સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 333)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998