બાળકના અપરાધ જુએ જો માત રે, વહાલાજી
Balakna Aparadh Juae Jo Mat Re, Vahalaji
પ્રીતમ
Pritam

બાળકના અપરાધ જુએ જો માત રે, વહાલાજી
ત્યારે તેનો કરે ઘડીમાં ઘાત રે, વહાલાજી
પિતા પુત્રની જ્યારે લાંચ ખાશે રે, વહાલાજી
ત્યારે વળતી ક્યમ જુગમાં જિવાશે રે, વહાલાજી
જલ સીંચ્યાનું મેઘ માગશે મૂલ રે, વહાલાજી
ત્યારે તો શું ટળશે અમારું સૂળ રે, વહાલાજી
હીંડ્યાનું જ્યારે ભોમી ભાડું લેશે રે, વહાલાજી
ત્યારે કોણ ઊભું રહેવા દેશે રે, વહાલાજી
વિશ્વંભર થઈ વહેરો જ્યારે કરશો રે, વહાલાજી
સૃષ્ટિ કેઈ પેરે સંકટ હરશો રે, વહાલાજી
દુનિયાનું દુઃખ દયા કરીને ટાળો રે, વહાલાજી
પૂરણાનંદજી બિરદ તમારું પાળો રે, વહાલાજી
જગત જિવાડો તો મોકલજો મેહ રે, વહાલાજી
નહિ તો પડશે પલક વારમાં દેહ રે, વહાલાજી
હુકમી બંદા હુકમ કરો તો આવે રે, વહાલાજી
નાનાવિધનાં નૌતમ અંન ઉપજાવે રે, વહાલાજી
પ્રીતમના સ્વામી એ પ્રાક્રમ મોટું રે, વહાલાજી
જળ વરસે નહિ તો જીવ્યાનું ખોટું રે, વહાલાજી



સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ