બાઈ હમે ઘેલાં થયાં રે
Bai hame ghela thya re
મીરાંબાઈ
Meerabai
મીરાંબાઈ
Meerabai
પહેલાં તો હું કાંઈ નવ જાણું,
મારું મન માયાથી બાંધ્યું.
ભવસાગરમાં ભૂલાં પડ્યાં,
મારગમાં મળિયા માધવ -
બાઈ હમે ઘેલાં થયાં રે, અમને ઘેલાંમાં ગુણ લાગ્યો,
ઘેલાં ખરાં પણ હમે હરિનાં ઘેલાં,
ઓલ્યા દુર્જનિયા શું જાણે,
મૂઢ મતિ માથાં કૂટીને મરશે
મરજીવા રસ માણે. - બાઈ હમે, અમને૦
ઘેલાં મટીને હમે ડાહ્યાં ન થઈયે
વળી ઘેલાં ઘેલાંનાં કામ કરશે,
સમજાવતામાં ચડે રીસ તો
તે નર ક્યાંથી તરશે. - બાઈ હમે, અમને૦
ઘેલાં ખરાં પણ હમે પ્રભુનાં ઘેલાં
સંતોના ચર્ણમાં સીધાં,
‘બાઈ મીરાં’ કહે પ્રભુ ગિરધરના ગુણ,
તમને ભજે સર્વે કારજ સીધ્યાં, - બાઈ હમે, અમને૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 125)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : જ્ઞાનમંદિર પ્રેસ
- વર્ષ : 1922
