બાપજી, પાપ મેં કોણ કીધાં હશે?
baapjii, paap men kon kiidhaa hashe?
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
બાપજી, પાપ મેં કોણ કીધાં હશે? - નામ લેતાં તારું નિદ્રા આવે;
ઊંઘ, આળસ ને આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી ભાવે. બા૦
દિન પૂઠે દિન તો વહી જાય છે, દુર્મતિનાં મેં ભર્યાં રે ડાલાં;
ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી, ખાંડ્યાં સંસારમાં થોથાં ઠાલાં. બા૦
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં, ‘ભીડભંજન તારું નામ સાચું,
ફરી ફરી વર્ણવું, શ્રીહરિ! તુજને, પતિતપાવન તારું નામ જાચું. બા૦
તારી ક્રિપા વિના, કૃષ્ણ કોડામણા! કળવિકળનું મને બળ ન ફાવે.
નરસૈંયા રંકને ઝંખના તાહરી, હેડ-બેડી ભાંગો, શરણ આવે. બા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
