asal jugne aagale - Pad | RekhtaGujarati

અસલ જુગને આગળે

asal jugne aagale

મચ્છંદરનાથ મચ્છંદરનાથ
અસલ જુગને આગળે
મચ્છંદરનાથ

અસલ જુગને આગળે સંત ઝવેરી નર જાગતાં રે.

અસલ ધણીના જ્યારે આરાધ કરતાં, ત્યારે આરાધે હરિ આવતા,

નર ને નારી તે દી' ભેળાં બેસી જમતાં, એક આસન પર પોઢતાં રે.

કરમ ને ધરમ તે કછુ પણ નો'તાં રે, દૃષ્ટિ તણાં ફળ લાગતાં રે,

પાંચ વરસે પુત્ર જન્મે તો પારણીએ પોઢાડતાં રે.

સાઈઠ વર્ષે એનાં સગપણ કરતાં, હજાર વર્ષે પરણાવતાં રે.

અસલ જુગને આગળે સંત ઝવેરી ના જાગતા રે.

ચાંદા સૂરજ કછુવે પણ નો'તા રે, તે દી' હીરલાના પ્રકાશ હોતા રે,

હીરા ને માણેક તે દી' બહોત હોતા, શ્રીફળને અનુમાને રે,

ગાયુ ને ભેંસું તે દી' બહોત હોતાં, હાથીને અનુમાને રે.

અન્ન ને ધાન કછુવે પણ નો'તાં રે, દૂધ પીયને નર જીવતા રે,

ત્રણ ત્રણ જુગ એવા ગીયાં, ચોથે હવે પરમાણા

કહે મછંદર તમે સુણા જતિ ગોરખ, એવા આગમનાં એંધાણે રે,

અસલ જુગને આગળે સત ઝવેરી નર જાગતા રે.

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : પોતે