angarkhu ek taare re - Pad | RekhtaGujarati

અંગરખું એક તારું રે

angarkhu ek taare re

રણછોડ રણછોડ
અંગરખું એક તારું રે
રણછોડ

અંગરખું એક તારું રે... બનાવ્યું બહુ જુગતિ કરી;

સીવનારો દરજી ડાહ્યો રે... ભૂલ એમાં ના’વે જરી. અંગ0

કારીગરી કેવી કીધી છે, (જેનો) કે’તાં આવે પાર;

બારીક કામ કરેલું બહુ છે, તાણ્યા ઉપર તાર;

ટાંકો નજરે ના’વે રે... ધારીને જુઓ સુરતા ધરી. અંગ0

સુંદર ઘાટ બનાવ્યો સારો, શોભા બની અપાર;

વાળવું હોય તેમ વળે બરાબર, એવું કોઈ નથી કરનાર;

કળીઉં એવી કીધી રે... નજર સહુની રહે છે ઠરી. અંગ0

કમરપટો કોઠો ને કોણી, પૂરણ બન્યું પ્રમાણ;

ફાટે તો સંધાય સ્વભાવે, એવો સરજનહાર સુજાણ-

પરમાણું એવું કીધું રે... બેસતું આવ્યું બરા રે બરી. અંગ0

અંગરૂપ અંગરખું બન્યું (ને) પૂર્યો પ્રાણ પ્રકાશ;

દય જુઓ દરજી તણી, સીવતાં થયાં નવ માસ-

દાસ ‘રણછોડ’ને રે... પહેરાવ્યું પ્રભુ ખરા રે ખરી. અંગ0

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાનો અમર વારસો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1964