અનંત નામનું ઓસડ મારે
anant naamnun osaad maare
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ આશાવરી)
અનંત નામનું ઓસડ મારે, જેનાં ભાગ્ય હોય તેને ભાવે રે;
વૈષ્ણવ વૈદની પાસે વસીએ તો રવિસુત તેને ઘે૨ ના'વે રે.
હરિ હરડે ને સૂંઠ સારંગધર, અવિનાશી અજમાણ રે;
કહું કૃષ્ણ ને સાકર શામળિયો, સંચળ રામ રસાયણ રે.
ચોખ્ખું ચૂરણ ચત્રભુજ કેરું, અને બહુનામીની બૂકી રે;
ગોવિંદ નામની ગોળી રે વાળી, માંહે હરિચરણોદક ભૂકી રે.
એવાં એવાં ઔષધ તો અંગ લાગે, જો કરીએ રહેવાયે રે;
મોહમાયાનો મચ્છર ઘણેરો, પાછો ખેલો થાય રે.
કૃપા કરીને ઔષધ દીજે, યજ્ઞપુરુષ જદુરાય રે!
નરસૈંયાના સ્વામીને સંગે રમતાં જમ શિર જાંગી ના વાય રે.
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 96)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
