alyaa naam paamyo, pan raam ne nav lahyaa - Pad | RekhtaGujarati

અલ્યા નામ પામ્યો, પણ રામને નવ લહ્યા

alyaa naam paamyo, pan raam ne nav lahyaa

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
અલ્યા નામ પામ્યો, પણ રામને નવ લહ્યા
નરસિંહ મહેતા

અલ્યા નામ પામ્યો, પણ રામને નવ લહ્યા; વૈષ્ણવ પદ કેરૂં બિરદ ઝાલે;

પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે.

વ્યાધિની વેદના, વિશ્વની ના ટળે, ઠાલો ગગનમાં મેઘ ગાજે;

હરિને જાણ્યા વિના, હરિ કેરો જન થયો, વાત પકવાનથી ભૂખ ભાગે.

તું એમ જાણે જે, હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઇ થયો ભક્ત ભવમાં;

કરણી તો કાગની, હોડ કરે હંસની, હંસને તો હસી કાઢે લવમાં.

પિંડમાં પ્રભુ પણ, પ્રગટ પેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;

અગણિત બ્રહ્મનું, ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.

જો નિરાકારમાં જેહનું મન ગળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;

દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાન વિજ્ઞાનની જોત જાગે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928