એવો પ્યાલો મેં પીધો રે
aevo pyaalo men piidho re
રવિસાહેબ
Ravisaheb
રવિસાહેબ
Ravisaheb
એવો પ્યાલો મેં પીધો રે,
લીધો હરિ લગન કરી.
એવા પરિબ્રહ્મ ભાળ્યા રે
અદ્વૈત સભર ભરી.
સતગુરુએ શ્રવણ રસ રેડિયો, ચોંટ્યો રુદિયામાંઈ,
સંધે સંધે રસ સંચર્યો, ઉનમુન રહ્યો ઠેરાઈ,
એવી સુરતા જેની સૂન થઈ રે,
ઊતરે નહીં ફરી... પ્યાલો૦
કામ, ક્રોધ, લોભ, મદ, માયા, આવરણ પામ્યા અસ્ત,
નવપંદર અભિયાસ અંતરથી, મટી ગઈ પીડ સમસ્ત
એવો નજરે ના’વે રે,
વિના કોઈ દૂજો હરિ... પ્યાલો૦
કથણી બકણી છૂટી ક્રિયા, કેનાં ગાયે ગીત,
ખોળણારો માંહી ખોવાણો, આપે થયો અદ્વૈત,
એવો પાલો ગણી પાણી રે
હવે તેમ રહ્યો ઠરી... પ્યાલો૦
ગૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસકાય,
'રવિરામ' રસ કે’વે કોણ સે વસ્તુ વણ જીભ્યાય,
એવો ઘટે ઘટ બોલે રે,
સ્વાંગ અનેક ધરી...
પ્યાલો મેં પીધો રે૦
સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1991
