સત્ય નહીં તો ધર્મ શાનો?
satya nahi to dhram shano?
છોટમ કવિ
Chhotam Kavi
સત્ય નહીં તો ધર્મ શાનો? દયા વિના શું દાન જોને?
મન વશ નહિ તો તપ શાનું? શીલ વિના શું સ્નાન જોને? ૧
વિનય વિના તે વિદ્યા શાની? દાન વિના શાં દામ જોને?
નીર વિના તે નવાણ શાનું? ધણી વિના શું ધામ જોને? ૨
ભાવ વિના તે ભક્તિ શાની? ભક્તિ વિના શું જ્ઞાન જોને?
પ્રીતિ હોય તો પડદો શાનો? ધૈર્ય વિના શું ધ્યાન જોને? ૩
સદગુણ નહિ તે સાધુ શાનો? તૃષ્ણા ત્યાં શો ત્યાગ જોને?
જ્ઞાન વિના તે ગુરુજન શાનો? કંઠ વિના શો રાગ જોને? ૪
ભ્રાંતિ રહી તે અનુભવ શાનો? સાચો ન મળે, શોધ જોને;
ધર્મ-મર્મની કથા ન જાણે તેને શાનો બોધ જોને? ૫
સાચા પ્રભુને જે નવ શોધે, તે નર કહીએ કાચા જોને;
કહે છોટમ નિર્ધાર કરીને, વેદતણી એ વાચા જોને. ૬
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002