મન! રામ ભજી લે-ને રાણા...
man! ram bhaji lene rana
ભાણસાહેબ
Bhansaheb

મન! તું રામ ભજી લે-ને રાણા,
તારે ગોવિંદના ગુણ-ગાણા. મનo ટેક
ખોટી માયાની ખબર પડી નહિ,
ને કળ વિનાના કુટાણા;
જૂઠી માયાસે ઝઘડો માંડ્યો,
બળ કરીને બંધાણા. મનo ૧
કૂડિયાં તારે કામ નહિ આવે,
ભેળાં ન આવશે નાણાં;
હરામની માયા હાલી જાશે,
રહેશે દામ દટાણા. મનo ૨
કૂણપ વિના નર કરડા દીસે,
ભીતર નહીં ભેદાણા;
હરિ વિનાના હળવા હીડે,
નર ફરે નિમાણા. મનo ૩
સો-સો વરસ રહે સિંઘુમાં,
ભીતર નહીં ભીંજાણા;
જળનું તો કંઈ જોર ન ચાલ્યું;
પલળ્યા નહિ ઈ પાણા. મનo ૪
છબી ફરી પણ ચાલ ફરી નહિ,
ભ્રાંતિ ગઈ નહીં ભાણા. મનo ૫



સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002