he jii viiraa! dhuno re dharam re - Pad | RekhtaGujarati

હે જી વીરા! ધૂનો રે ધરમ રે

he jii viiraa! dhuno re dharam re

રામદેવ પીર રામદેવ પીર
હે જી વીરા! ધૂનો રે ધરમ રે
રામદેવ પીર

હે જી વીરા! ધૂનો રે ધરમ રે,

જૂનો જૂનો ધરમ રે

અબાદ રાખી બોલજો રે

જી એના ઘેરા ઘેરા ગુણ ગંભીર

અગમ ને અગોચર રે

વાતું વીરા! આઘિયું રે

જી જેનો પોથી પામે પાર... જૂનો જૂનો...

હે જી વીરા! ધરણીને માથે રે અમર ધરા આળખી રે

ઘડ્યા છે ગગન તણા ઘાટ

પ્રથમ રૂપી દેવી ઉમૈયા પ્રગટિયાં

એણે આણ્યો અગમ કેરો પાટ...

હે જી વીરા! જમીં માથે રે જમલો રચાવ્યો

મેરુ તણા થંભ ઠેરાઈ

દશે દિશાએ રે દિગપાળું નોંધિયા

તોય જમીં સૂપડાની જેમ સોવાય...

હે જી વીરા! સતની ફણિયું રે પતાળુંમાં થાપિયું રે,

જી માથે માંડ્યાં પ્રથમીનાં મંડાણ,

સતી ઉમૈયાએ રે મહાધરમ માગીઓ રે

ગગનેથી ઉતારેલા તે દી' પાટ...

હે જી વીરા! પાંચે મળીને પાટ ઠાટ પૂરિયા

નિજિયા ધરમ તણે કાજ

બીજકનાં ફળ લઈને રે વાયકમાં વાપર્યાં

ત્રણે ભવન સ્થિર થઈ જાય...

હે જી વીરા! અઠ્યાસી હજાર ઋષિ રે, ક્રોડ તેત્રીસ દેવતા,

જેનાં વેદ કરે છે વખાણ,

જૂના જૂના ધરમની વિધિ કોક જાણશે રે

તો પદ પામશે નિરવાણ...

હે જી વીરા! ભમ્મર હૂઈને વાસનાઉ વોરીએ,

ઝીલો ધરમ તણી ધાર,

ગરાગ મળશે રે ગરવા દેવના,

એનો વિવેકથી કરજો વિચાર...

હે જી વીરા! આગુની વિધિએ રે અમરત નીપજે,

વગર વિધિએ વખડાં કહેવાય,

ધાજો કે ધરજો રે, ઘરમ છે ઘણી તણો,

એના વરણી શું કરવા વખાણ...

હે જી વીરા! સિદ્ધને ચોરાશી રે નિજાર પંથે માલતા,

જોઈને લેજો પંથ હૂંદા પરમાણ,

બાળનાથ ચરણે રે બોલ્યા સિદ્ધ ‘રામદે’,

સતગુરુ વચનની છે આણ....

સ્રોત

  • પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1995