આવો, ઝૂલડી પહેરાવું,
aavo jhuldi paheravu
ભાલણ
Bhalan
બાર બાર બલિ જાઉં, લાલાને ઝૂલડી પહેરાવું. (ટેક)
કરમાં લીધી ઝૂલડી, ને પાડે કૌશલ્યા શોર:
રમો રમો રંગમોહોલમાં, હું આપું કનકના મોર. ૧
ઉષ્ણકાળનો ઉન્હો વાયુ કરમાય કોમળ અંગ;
પાયે પહેરાવું મોજડી, પછી રમો સખાને સંગ. ૨
કશ્યપસુત તો કઠણ તપે છે, જક્તને લાગે જ્વાળ;
વિષધર સરખા વિકળ થયા, તવ કોમળ કાયા બાળ. ૩
ગુઝે ઘાલું સુખડી ખાંતે, મેવા લ્યો મોં-માગ્યા;
ભૂમંડળના ભૂપતિ કહેશે, ન્હાના નરપતિ નાગા! ૪
કૌશલ્યાએ કર ગ્રહીને પહેરાવી બે બાંહ્ય;
કસકસી કૌસ્તુભમણિ સરખી, જેમ ન ભૂલે ક્યાંય. ૫
ઝળકતી શી ઝૂલડી પહેરાવી, માતા કરે ચુંબન;
ભાલણ-પ્રભુ રઘુનાથ મારાને સોંપું તન-મન-ધન. ૬
સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002